ગુજરાત સ્થાપના દિવસ

    


દેશને અંગ્રેજોના રાજમાંથી મુક્ત કરાવી અને દેશવાસીઓને સ્વાતંત્ર્યના શ્વાસ બક્ષવામાં ગુજરાતની મહત્વની ભૂમિકા છે, જો કે આજે વાત ગુજરાતના દેશની આઝાદીના યોગદાન અંગેની નહીં પરંતુ એ દેશપ્રેમી, વિકાસશીલ ગુજરાત રાજ્યની રચના અને તેના અનોખા ઇતિહાસની કરવાની છે. દેશભરમાં વિવિધ તબક્કે ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ કરાઇ જો કે, મુંબઇ રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું નહોતું. તેની પાછળનું કારણ ગુજરાત અને મુંબઇના આર્થિક હિતો હતો અને તે સમયના રાષ્ટ્રીય નેતાઓ પણ મુંબઇના બે ભાગ ના પડે તેવું ઇચ્છતા હતા, જોકે પ્રજાને તે સ્વિકાર્ય નહોતું, અને મહાગુજરાત ચળવળ હાથ ધરવામાં આવી. વર્ષ 1960માં મુંબઇ રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું, જેમા એક રાજ્ય બન્યુ મહારાષ્ટ્ર અને બીજુ બન્યું ગુજરાત.


કેવી રીતે શરૂ થઇ મહાગુજરાત ચળવળ?


ગુજરાતના લોકોને પોતાની અશ્મિતા સાથે સમજૂતિ સ્વિકાર્ય નહોતી. તેથી દ્વિભાષી રાજ્ય મુંબઇના પ્રસ્તાવના વિરુદ્ધમાં મહાગુજરાત ચળવળની જરૂરિયાત ઉભી થઇ હતી. જેમ આજે આપણે એકમેક થઇને ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરીએ છીએ, તેવી રીતે જ્યારે મહાગુજરાત ચળવળ શરૂ કરવામાં આવી ત્યારે પ્રત્યેક ગુજરાતીએ ધર્મ અને જાતિને પર થઇને એક ગુજરાતીના રૂપમાં આ ચળવળમાં ભાગ લીધો હતો. તે સમયે ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમની એકતા આખા ભારત માટે એક મિશાલ સમાન હતી. સ્વતંત્રતા બાદ ભારતમાં વિવિધભાષી જનતાની અસ્મિતા બનાવી રાખવા માટે ભાષા અનુરુપ રાજ્યોની સ્થાપના કરવામાં આવે તેવો વિચાર વહેતો મુકવામાં આવ્યો. 1953માં કોંગ્રેસે હૈદરાબાદ અધિવેશનમાં ભાષા અનુસાર રાજ્યોની સ્થાપનાનો પ્રસ્તાવ પારિત કર્યો. બસ ત્યારથી ગુજરાતની આશાઓ બંધાઇ. ગુજરાતીઓએ સપના સજાવ્યા કે તેમનુ પોતાનું એક અલગ રાજ્ય હશે, પરંતુ ગુજરાતની આશાઓ પર મોરરાજી દેસાઇએ પાણી ફેરવી દીધુ કે બૃહદ મુંબઇ રાજ્યમાં મુંબઇ જેવા વિવિધભાષી શહેરને કોઇ એક રાજ્યનો હિસ્સો બનાવી શકાય નહીં. દેસાઇના આ વિચારથી ગુજરાતની જનતામાં રોષ ફેલાઇ ગયો. કેન્દ્ર સરકારે મધ્યનો રસ્તો કાઢતા મહારાષ્ટ્ર, મુંબઇ અને ગુજરાત નામના ત્રણ રાજ્યો અને ત્રણેય માટે એક ઉચ્ચ ન્યાયાલયનો પ્રસ્તાવ રાખ્યો. આ પ્રસ્તાવથી મહારાષ્ટ્રમાં ખોટો સંદેશ પહોંચ્યો. સાત ઓગસ્ટે 1956માં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર અને ગુજરાતના મતભેદોને જોતા ગુજરાત સહિત મુંબઇને દ્વિભાષી રાજ્ય બનાવવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયથી ગુજરાતનુ સપનું સેવી રહેલા ગુજરાતીઓ પર વ્રજઘાત થયો, કારણ કે આ નિર્ણયથી ગુજરાતનું સ્વપ્ન તૂટી ગયું. અને બસ ત્યારથી શરૂ થયું મહાગુજરાત આંદોલન.


મુંબઇ વગર ગુજરાતનું અસ્તિત્વ નહીં રહે


મોરારજી દેસાઇનું કહેવું હતું કે મુંબઇ વગર ગુજરાત એક દિવસ પણ નહીં ચાલી શકે, ગુજરાત તૂટી જશે. વિકાસ અટકી જશે, દેસાઇના આ મત સાથે ગુજરાત કોંગ્રેસના અનેક નેતા અસહમત હતા, પરંતુ દેસાઇ વિરુદ્ધ બોલાવનું કોઇનામાં સાહસ નહોતું. કેન્દ્ર સરકારના આ ગુજરાત વિરોધી નિર્ણયના સમયે ગુજરાત કોંગ્રેસ નેતૃત્વ મૂકપ્રેક્ષક બની રહ્યા, પરંતુ જનતામાં જોરાદાર પ્રતિક્રિયા થઇ. સાત ઓગસ્ટે કેટલાક વિદ્યાર્થીઓ ભદ્ર સ્થિત કોંગ્રેસ હાઉસ પર પહોંચ્યા અને કોંગ્રેસના નેતા ઠાકોરભાઇ દેસાઇને મળ્યા. 8 ઓગસ્ટે પૂર્ણ હડતાળનું આહવાન આપવામાં આવ્યું. બીજી તરફ દિલ્હીમાં એ જ દિવસે લોકસભાએ દ્વિભાષી મુંબઇ રાજ્યનો પ્રસ્તાવ પારિત કરી દીધો. 8 ઓગસ્ટનો એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. જેના વિરુદ્ધમાં હજારો છાત્રો ભદ્ર સ્થિત કોંગ્રેસ હાઉસ પર એકઠાં થયા અને કેન્દ્ર વિરુદ્ધ પ્રદર્શન કરવા લાગ્યા. આ વચ્ચે કોંગ્રેસ હાઉસ પર ગોળીબાર કરાયો. આ સરકારી હિંસામાં સાતથી આઠ વિદ્યાર્થીઓ શહિદ થઇ ગયા અને અનેકને ઇજાઓ પહોંચી. જેમાં હિન્દુ-મુસ્લિમ બન્ને કોમના વિદ્યાર્થીઓ હતા. આ હિંસા બાદ શહેરભરમાં દ્વિભાષી મુંબઇ રાજ્યનો વિરોધ શરૂ થઇ ગયો. 8 અને 9 ઓગસ્ટે જોરાદાર રમખાણો થયા તથા સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરવામાં આવી. હરિહર ખંભોલજા, હરીપ્રસાદ વ્યાસ તથા પ્રબોધ રાવલે ખુલ્લી જીપમાં શહેરનો પ્રવાસ કર્યો અને છાત્રોને શાંતિ રાખવા અપીલ કરી. આ રમખાણો વચ્ચે 12 લોકો શહિદ થયા જ્યારે 80 લોકોને ઇજા પહોંચી. શાહપુરમાં સરકાર વિરોધી પ્રદર્શન વચ્ચે હિંસા ભડક્યા બાદ 10 ઓગસ્ટે કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું. કર્ફ્યુ ઉલંઘન દરમિયાન 5 લોકો પોલીસની ગોળીનો શિકાર થયા અને 45 લોકોને ઇજા પહોંચી.


અમદાવાદની બહાર પણ ચાલ્યું મહાગુજરાત ચળવળ


10 ઓગસ્ટે સમાચાર પત્રોએ સ્પષ્ટ કરી દીધું કે મહાગુજરાત ચળવળ હવે અમદાવાદ સુધી સીમિત નથી રહ્યું. નડિયાદ, જૂનાગઢ, વડોદરા, સાયલા, ભાવનગર, ડાકોર, પાલનપુર, બોટાદ, સુરત, રાજકોટ, અમરેલી, પારડી, બાવળા, ભુજ, આણંદ સહિત આખા ગુજરાતમાં આ જંગની શરૂઆત થઇ. મોરરાજી દેસાઇ પ્રત્યે ગુજરાતના લોકોમાં ભારે ગુસ્સો હતો. 19 ઓગસ્ટે ઘોષણા થઇ કે કોંગ્રેસ હાઉસ પર દેસઇ દ્વિભાષી મુંબઇ રાજ્યને પોતાના મત પર સફાઇ આપશે. તેનાથી માહોલ વધુ ગરમાયો. તેમની સભાના દિવસે આખા શહેરમાં જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું. આ એલાન સંપૂર્ણ રીતે સફળ રહ્યું. રસ્તાઓ વિરાન અને બજારો બંધ રહી. દેસાઇની સભામાં કોઇ આવ્યું નહીં.


આખરે ગુજરાતને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું


અત્યારસુધી મહાગુજરાત ચળવળ એ નિશ્ચિત નેતૃત્વના અભાવમાં અલગ-અલગ રીતે ચાલી રહ્યું હતું. તેનાથી એક નિશ્ચિત દિશા આપવા માટે 9 સપ્ટેમ્બરમાં ખાડિયા સ્થિત ઔદિચ્યની વાડીમાં સવારે મોટી ભીડ એકઠી થઇ અને ત્યાં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. જેના સંયોજક તરીકે બ્રહ્મકુમાર ભટ્ટ રહ્યાં પરંતુ અધ્યક્ષ પદની જવાબદારી તેજ તર્રાર ભાષણ શૈલી માટે જાણિતા ઇન્દુલાલ યાજ્ઞિકને સોંપવામાં આવી. પરિષદની રચના બાદ ચળવળને જોરદાર વેગ મળ્યો. યાજ્ઞિકના ઉત્તજક ભાષમો ગુજરાતને સંગઠિત બનાવ્યું. પરિષદના નેતૃત્વમાં અંદાજે ચાર વર્ષ સુધી આંદોલન ચાલતુ રહ્યું. ધરણા, પ્રદર્શન, સૂત્રોચ્ચાર, લાઠીચાર્જ, ગોળીબારમાં અનેકે પ્રાણની આહૂતિ આપી તો અનેક ઇજાગ્રસ્ત થયા. અંતતઃ કેન્દ્ર સરકારે 27 ઓગસ્ટ 1957માં લોકસભામાં દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય નિર્માણનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. લોકસભામાં પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને બહુમત હતી, તેથી જીવારજ મહેતાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. જ્યારે લોકસભાએ ગુજરાતના પ્રસ્તાવની મંજૂરી આપી દીધી ત્યારે વિસનગર ખાતે મહાગુજરાત પરિષદની અંતિમ બેઠક બોલાવવામાં આવી અને તેને ભંગ કરી દેવામાં આવી.


જીવરાજ મહેતાએ પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા


17 એપ્રિલ 1960એ મુંબઇથી વિશેષ ટ્રેનોમાં સચિવાલય કર્મચારીઓ, સેંકડો ટાઇપરાઇટર્સ, કાગળોના પાર્સલ વિગેરે અમદાવાદ લાવવામાં આવ્યા, 19 એપ્રિલે લોકસભાએ મુંબઇ રાજ્ય વિભાજનનો વિધેયક પારિત કરવામાં આવ્યો. 23 એપ્રિલે રાજ્યસભાએ પણ તેને મંજૂરી આપી દીધી. 25 એપ્રિલે ગુજરાત મંત્રીમંડળની રચના કરવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ વિધેયકને મંજૂરી આપી. આંધ્ર પ્રદેશના મેહંદી નવાજ જંગને રાજ્યપાલ બનાવવામાં આવ્યા. 30 એપ્રિલે જીવરાજ મહેતા સરકારના સ્વાગત માટે લાલ દરવાજા સરદાર બાગમાં જનસભા થઇ અને 1 મે 1960ના રોજ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમમાં જીવરાજ મહેતાએ પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. 

૧ મે ૧૯૬૦ રોજ ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે થઈ  હતી 

પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા  શપથ ગ્રહણ કર્યા હતા. 

પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ બન્યા હતા.

ref.(http://gujarati.oneindia.com)


Post a Comment

Previous Post Next Post